કડવું ૫૩
નળાખ્યાન
સુદેવ સભામાં આવિયો જ્યાં, બેઠો છે ઋતુપર્ણ;કરમાંહે આપી કંકોતરી, ઉપર લખ્યું નિમંત્રણ.પ્રીત વિશેષે પત્ર લીધું, કીધું અવિલોકંન;સ્વતિ શ્રી અયોધ્યાપુરી, ઋતુપર્ણ રાય પાવંન.વિદર્ભ દેશથી લખીતંગ ભીમક, નળે દમયંતી પરહરી;એને દેવનું વરદાન છે માટે, સ્વયંવર કીજે ફરી.પૃથ્વીના ભૂપતી આવશે, તમો આવજો ખપ કરી;સૂરજ બંશીને વરવો નિશ્ચે, કુંવરીએ ઇચ્છા ધરી.ભૂપતિ આનંદે ભર્યો, સભામાંહે એમ ભાખે;ભાઇ વેદવાણી દમયંતી, કોને નહીં વરે મુજ પાખે.અધર ડસે કર ધસે, વિપ્ર ઉપર આંખ કહાડે;નોહોતરીયો નિર્માલ્ય દીસે, આવ્યો લગ્નને દહાડે.સુદેવ કહે હું ક્યમ કરું, વેગળું તમારું ગામ;શત ઠામ થાતાં આવવું, કંકોતરીનું કામ.ધાઇ હ=ગયા સર્વ ભૂપ જે, પ્રથમ રુપના પળકા;ઋતુપર્ણ આસનથી ઉઠે બેસે, થાય પરણવાના સળકા.આહા ગઇ દમયંતી હાથથી, કંકોતરી આવી મોડી;એક નિશાનો આંતરો હોત તો, જાત જેમ જેમ દોડી.ત્રાહે ત્રાહે બોલે મસ્તક ડોલે, નિસાસા મૂકે ઊંડા;વૈદરભી વરતાં વેર વાળ્યું, અરે બ્રાહ્મણ ભૂંડા.સાંઢ તો સાંપડી નહીં, નહી પવનવેગી ઘોડા;કંસાર દમયંતી કરનો, નહીં જમે આ મોહોડાં.
સભામાં બેઠો નિરાશ થઇ, પ્રધાન બોલ્યો વચન;પેલો બાહુકીઓ શે અર્થ આવશે, બેઠો વણસાડે અંન.ઋતુપર્ણ આનંદ પામ્યો, મોકલ્યો સેવક;લાવ તેડી બાહુકીઆને, જે જાણે ગયાની તક.શ્વાસ ભરાયો દાસ આવ્યો, અશ્વપાલકની પાસ;ઉઠો ભાઇ ભૂપ તેડે છે, ગ્રહો પરોણો રાસ.બાહુક ચાલ્યો ચાબુક ઝાલ્યો, મુખે તે બડબડતો,આવ્યો નીચી નાડે નરખતો, નાકે તે સરડકાં ભરતો.સભા મધ્યે સર્વ હસ્યા, આ રત્ન રથખેડણ;ઋતુપર્ણ બોલ્યો માન દેઇ, આવો દુઃખફેડણ.ઘણે દિવસે કારજ પડ્યું છે, રાખો અમારી લાજ;તમો પરણાવો વૈદરભીને, વિદ્રભા જાવું આજ.સમુદ્ર સેવ્યો રત્ન આપે, મેં સેવ્યા એમ જાણી;આજ વિદર્ભા લેઇ જાઓ, ગ્રહું દમયંતીનો પાણી.બાહુક વળતો બોલિયો, ફૂલાવીને નાસા;આ ભિયા પરણશે દમયંતીને, અરે પાપિણી આશા.હંસ કન્યા કેમ કરે, વાયસસું સંકેત;નિર્લજ્જની સાથે અમે આવું, તો પછે થાઉં ફજેત.છછેરા ન થઇએ રાયજી, પરપત્નીસું તલખાં;કેમ વરે વર જીવતે તો, મિથ્યા મારવાં વલખાં.પુણ્યશ્લોકની પ્રેમદા ને, ભીમક રાજકુમારી;તમો વિષયીને લજ્જા શાની, થાય ફજેતી મારી.રાય કહે હયપતી, મારી વતી હયને હાંકો;મારે તો સર્વસ્વ ગયુંરે, તમો જેવારે ના કોહો.બાહુક વળતો બોલિયો, જ્યાં હોયે સ્વયંવર;અંતર નહીં સેવકસ્વામીમાં, આપણ બન્યો વર.હાસ્ય કરીને કહે રાય, વર તમો પરથમ;ભાગ્ય ભડશે કન્યા જડશે, ત્યાં જઇએ જ્યમ તમ.દુબળા ઘોડા ચાર જોડ્યા, રથ કર્યો સાવધાન;શીઘ્રે ત્યાં શણગાર સજવા, સામ્ચર્યો રાજાન.
રાણી કહે ઋતુપર્ણબે, પરહરિ હું પ્રેમ;ક્ષત્રી થઇને કરો ઘઘરણું, નવ હોયે અંતે ક્ષેમ.પતિએતજી તે અણછતી, કાંઇએક ગોરી ગૂધ;બાહુક વડે પરણવી રાય, થયું ઉજળું દૂધ.સૂરજ વંશતણી એ શોભા, તમથી ઝાંખી હોય;રીસ ચડી ઋતુપર્ણને, પછી ધણીઆણીને ધોય;અમો ભ્રમર કોટી કુસુમ સેવું, તું શું ચલાવીશ ચાલ;વીજળી સરખી લાવું વૈદરભી, કરું સોક્યનું સાલ.એમ કહી સભામાં આવ્યો, દુદુભિ રહ્યાં છે ગાજી;રીસ કરીને કહ્યું બાહુકને, કાં જોડ્યા દુર્બળ વાજી.કરુણ લૂલા ને ચરણ રાંટા, બગાઇ બહુ ગણગણે;અસ્થિ નીસર્યાં ત્વચા ગાઢી, ભયાનક હણહણે.ચારે નોહે ચાલવાના, આગળ નીચા પાછળ ઊંચા;ખુંધા ને ખોડે ભર્યા, બે કરડકણા બે બૂચા.ઋતુપર્ણ જોઇ શીશ ધુણાવીને, બોલ્યો વળતી ખીજી;એ જોડી શું કુરુપ લાવ્યા, જોડ ઘણી છે બીજી.પવન વેગે પાણીપંથા, શત જોજન હીંડે ઠેઠ;એવા ઘોડા મૂકીને કાં, જોડ્યા દૈવની વેઠ.બાહુક કહે શું ચેષ્ટા માંડી, શું ઓળખો અશ્વની જાત;જો પુષ્ટ હયને જોડશો તો, હું ન આવું સાથ.એ અશ્વને રાખવો ને રથ હાંકવો, ચડી બેઠો ભૂપાળ;રાસ પરોણો પછાડીઓ, બાહુકને ચડ્યો કાળ.આટલીવાર લગે લજ્જા રાખી, બોલ્યો નહીં મા મૂચ;તું આગળથી રથે કેમ બેઠો, હુંપે તું શું ઉંચ.ઋતુપર્ણ હેઠો ઉતર્યો, વિધવિધ વિનય કરતો;જાય રાય પાસે બાહુક નાસે, તે રથ પૂઠે ફરતો.પ્રણિપ્રત્ય કીધું ઋતુપર્ણે, હયપતિ હઠ મૂકો;ઉપકારી જન અપરાધ મારો, બેઠો તે હું ચૂકો.બાહુક કહે યદ્યપિ રાસ ઝાલું,બેસીએ બન્યો જોડે;તુંને હરખ પરણાતણો ત્યમ, હુએ ભર્યો છૌં કોડે.
સામસામા ચક્ર ધરીને, બંને સાથે ચઢયા,ચેડી દીધી બાહુકે ત્યારે, અશ્વ ઢળીને પડ્યા.મુગુટ કહી ગયો રાયજીનો, માન શુકન હુઆ;બાહુકે અશ્વ ઉઠાડીયા, હાંકે ન કહે ધણી મુઆ.અંન એવા અશ્વ નિર્બળ, ખાંચે ખીજી ખીજી;રાય કહે લોક સાંભળે, એ વિના ગાળ દ્યો બીજી.સુદેવ તાણી બેસાડીઓ, રાય કહાડે છે ડોળા;શેરીએ શેરીએ જાન જોવા, ઉભાં લોકનાં ટોળાં.દુર્બળ ઘોડા દરિદ્ર બ્રાહ્મણ, જોગ સારથિનો જોડો;વૈદર્ભીને વરવા ચાલ્યા, ભલો ભજ્યો વરઘોડો.હાંકે ને હીંડે પાછા પાછા, ઝુંસરી કહાડી નાંખે;તાણી દોડે ઘરભણી, ઉભા રહે વણ રાખે.પૃષ્ઠ ઉપર પડે પરોણા, કરડવા પાછા ફરે;પોહોળે પગે રહે ઉભા, વારે વારે મળ મૂત્ર કરે.રાય કહે હો હયપતિ, નથી વાત એકો સરવી;બાહુક કહે ચિંતા ઘણી છે, મારે દમયંતી વરવી.ઘણે દોહેલે ગામ મૂક્યું, રાયે નિસાસા મૂક્યા;પૂણ્યશ્લોકે હેઠા ઉતરી, કાન અશ્વના ફૂંક્યા.અશ્વમંત્ર ભણ્યો ભૂપતિએ, ઈંદ્રનું ધર્યું ધ્યાન;અશ્વ ચારે ઉતપત્યા, ઉચ્ચૈઃશ્રવા સમાન.અવનિએ અડકે નહીં, રથ અંતરિક્ષ જાય;દોટ મૂકૉ બેઠો બાહુક, રખે પડતા રાય.માંહોમાંહે વળગીને બેઠા, ભૂપ ને બ્રાહ્મણ;રાય વિમાસે વરે કન્યા, વરુઆમાં વશીકર્ણ.કામણગારો કાળિયો, એના ગુણ રસાળ;ત્રણ કોડીનાં ટટુઆં, એણે કર્યો પંખાળ.હસી રાજા બોલિયા, થાબડી બાહુકની ખંધ;તારે પુણ્યે મારે થાશે, વૈદર્ભીસું સંબંધ.વાજી વિદ્યા વાસવની, તુજ કને પરિપૂર્ણ;નાની વાત નોહે ભાઇ, રહે વિદ્યાનું સ્મરણ.
ઐરાવત ને ઉચ્ચૈઃશ્રવા, હાર્યો ગરુડનો વેગ;તારે હાંકવે હમણાં થઇશું, વિદર્ભ ભેગાભેગ.વિખાણે પોતાનાં ભાગ્યને, ભૂપ કહાડે ઘેલાં;જો દમયંતી મુજને વરે તો, બાહુક પૂજું પહેલાં.ભીમકસુતાસું હસ્તમેળપક, જો થાશે હળપતિ;બાહુક કેહ વિલંબ શો છે, પ્રબળ તારી રતિ.વાટ ઓસરે વાત કરતાં, ઉડતા ચાલે અશ્વ;રાય વિદ્યાને વખાણે,ન જાણે મનનું રહસ્ય.તાણ્યા વગર ન રહે ત્રેહેક્ત, દે દોટ ઊપર દોટો;એક ઝાંખરે વળગી રહ્યો, રાયની પામરીનો જોટો.હાં હાં રાખ કહેતાં હય દોડ્યા, રથ ગયો જોજન;બાહ્કે રથ રાખ્યો કહે, લઇ આવો રાજન.રાય વળતો બોલિયો, શ્રમ મન વિચારી;દમયંતીના નામ ઉપર, નાખી પામરી ઓવારી.જા લાવ બાહુક તુંને આપી, પામરી બેહુ જોડ;બાહુક કહે દમયંતી ઉપર, તું સરખા ઓવારું ક્રોડ.રાય મોટા દાનેશ્વરી બોલ્યા, બાહુક જાચક તું થા;પરણવા જાઉં દમયંતી, લેઉં તારી પામરીના ચુંથા.એવું કહીને રથ ખેડીઓ ને, રાય મંન વિમાસે;રંક હોય તો સદ્ય લાવે, મોટો કેમ વરાંસે.હયપ્તિ તમમાં વિદ્યા મોટી, ગુણે વળિયો છેક;તારે પ્રતાપે મુજ કને છે, અક્ષ વિદ્યા એક.ગણિત શાસ્ત્રને હું જાણું છઉં,કહો તો દેખાડું કરી;એક બેહેડાનું વૃક્ષ આવ્યું, બાહુક પડ્યો ઉતરી.રાય પ્રત્યે કહેરે બાહુક, ગર્વ વચન શાં આવડાં;બેહેડાંની જમણી ડાળે, કેટલાં છે પાંદડાં.રાયે વિચારીને કહ્યું, સહસ્ત્ર ત્રણ ને શત ત્રણ;બાહુકે જઇ વક્ષ છેદી, ડાળ પાડી ધરણ.ગણી જોયાં બાહુકે, ઉતર્યાં તંતોતંત;ઉત્કૃષ્ટ વિદ્યા દેખીને, હરખ્યું નળનું ચંત.
ફરી આવ્યો રથ પાસે, કહ્યું રાય તમો ધન્ય;ભૂપ કહે જો મન મળે તો, વિદ્યા લીજે અન્યોન્ય.માંહોમાંહે મંત્ર આપ્યા, મને મન ગયાં મળી;પરીક્ષા કરવા વિદ્યાની, નળે ડાળ છેદી વળી.કલ્પ્યાં તેટલાં પત્ર ઉતર્યાં, ગણિત સંખ્યા મળી;બીજી વિદ્યાને પ્રતાપે, દેહમાંથી નિસર્યો કળી.પાડાનું ચર્મ પહેરીયું, ઉંટ ચર્મનાં ઉપરણાં;ટુંકડા ચરણ ને શ્યામ વરણ, કેશ છે પંચવરણા.કરમાં કાતી આંખ રાતી, મુખે રુધિરના ઓઘરાળા;ભર્યો રીસે સગડી શીશે, ઉડે અગ્નિની જ્વાળા,નિસરી નાઠો ભયે ત્રાઠો, ઊઠ્યો નળ નરેશ;લપડાક મારી સગડી પાડી, ગ્રહ્યા કળીના કેશ.વીજળી સરખું ખડ્ગ કહાડ્યું, ન જાય જીવતો પાપી;રાજભ્રષ્ટ કીધો દુઃખ દીધું, રહ્યો દેહમાં વ્યાપી.રગદોળ્યો રેણુ માહે રોળ્યો, કેમ પડ્યો હુતો પૂઠે;આંખ તરડે દાંત કરડે, મારે ખડ્ગની મૂંઠે.ઉઠે અડવડે અવની પડે, અકળાવ્યો અલેખે;બાહુકના હસ્ત કળીનાં અસ્થ, ઋતુપર્ણ નવ દેખે.રુદન કરતો આંખ ભરતો, કળી પાગે લાગે;પુણ્ય્શ્લોકજી ઉગારીએ, નવ મારીએ ઘણું વાગે.અરે અધર્મનાં મૂળિયાં, તુને જીવતો કેમ મૂકું;અમો ઘણું તેં રવડાવ્યા, નથી નેત્રનું જળ સૂક્યું.અરે પાપી ધર્મછેદન, વિશ્વ વેદનાકારી;વિજોગદાતા છેદન શાતા, તેં તજાવી નારી.અવગુણ કહેવા કરાવી, સેવા પારકે મંદિર;વદે દીન વાણી મરણ જાણી, નેત્રે ભરિયાં નીર.મહારાજ વળતી મારજો, ગુણ અવગુણ બે જોઇ;નળ કહે અવગુણ ભાજન તેં, સૃષ્ટિ સર્વ વગોઈ.
સ્વામી બે ગુણ મોટા મુજમાં, અવગુણના છેદન;નળ કહે ગુણ અવગુણ તું, બેઉનું કર વર્ણન.સ્વામી પ્રથમ અવગુણ વર્ણવું, મારું જે આચરણ;જ્યાં ગયો ત્યાં ધર્મ નહીં, ને ભ્રષ્ટ ચારે વર્ણ.દંભી લોભી ને લલૂતા, બ્રાહ્મણને કરું ભ્રષ્ટ;અલ્પ આયુષ્ય ને અલ્પ વિદ્યા, અલ્પ મેઘની વૃષ્ટ.અનાચાર ને અપરાધ બહુ, અનંત આભડછેટ;સિધ્ધ હોય સંન્યાસી શીળિયો, ભ્રષ્ટ કરું હું નેટ.મર્યાદા લાજને મૂકાવું, ઉન્માર્ગ મંડાવું;જપ તપ તીરથ ને જાત્રા, દાન દયા છંડાવું.ધ્વંસ કરું હું ધ્યાનમાં, તાપસને ડોલાવું;અભક્ષાભક્ષ અસ્પર્શાસ્પર્શ, અસત્ય વાક્ય બોલાવું.સ્વજન વૈર ને પરશું મૈત્રી, હોય નીચ સંગત્ય;વૈષ્ણવતા ફેડી વિષય સ્થાપું, એવી મારી મત્ય.માત પિતાને પુત્ર ઉવેખે, દેખે શ્યામામાં સાર;ક્રીડા કામે આઠે જામે, સ્ત્રીમાં તદાકાર.વિખવાદ કરતાં જન્મ જાય, ગાય ગોરીના ગુણગ્રામ;લંપટ નિર્લજ થઇ અતિ,જપે નારીનું નામ.હેલામાં બ્રહ્મચર્ય મુકાવું, જતિ પડે મોહમાંજ;પાખંડી લાંઠ સુખે જીવે, એવું મારું રાજ.હું વ્યાપું ત્યાં હરિ હર નહી, નહિ દેવસ્થળ;જ્ઞાન ગોષ્ઠિ કથા નહીં,એવું મારું બળ.સ્વામીદ્રોહી ને મિત્રદ્રોહી, ગુરુદ્રોહી નર ઘણા;વચનદ્રોહી ને બ્રહ્મદ્રોહી, એ સઉ ગુણ આપણા.પ્રજા ખોટી રાજા લોભી, નિરંકુશ લંપટ નાર;વ્યભિચારિણી દ્રોહકારિણી, ભમતી હીંડે બહાર.ભરથાર પહેલી કરે ભોજન, સૂએ સ્વામી પહેલી;થાકે નહીં તે વાત કરતાં, વઢકણી મન મેલી.ક્રોધમુખી ને ચોરટી, લોભણી ને લડતી;સાચી વાત મળે નહીં ને, આઠે પહોર બબડતી.થોડા બોલી સાઘુમુખી તે, સુતો સ્વામીને વેચે;પૂછ્યો ઉત્તર આપે નહીં ને, બોલે પેચે પેચે.
અભડાવે રસોઈ અન્ન ચાખે, જણાય પરમ પવિત્ર;કળિ કહે છે મારે પ્રતાપે, એવાં સ્ત્રીનાં ચરિત્ર.પંડિત દુઃખિયા ને મૂર્ખ સુખિયા, ભોગી રોગે ભરિયા;અસાધુ સુખે અન્ન પામે, સાધુ ઘડિયે નહિ ઠરિયા.દાતા જ્યાં ત્યાં ધન નહીં, દાતાર નહીં ત્યાં નહીં ઘંન;ખાનાર જ્યાં ત્યાં અન્ન નહીં, ખાનાર નહિં ત્યાં અન્ન.રુપ હોય ત્યાં ગુણ નહિ, ને ગુણ ત્યાં નહીં રુપ;શા શા અવગુણ વરણવું, છે પ્રતાપ તમારો અનૂપ.શિષ્યની સેવા ગુરુ કરે, સાધુ અસાધુનું આચરણ;સ્ત્રીની સેવા કરે સ્વામી, શુદ્રને સેવે બ્રાહ્મણ.છળ છળભેદ અધિક અધિકારી, અઘટિત કરે અન્યાય;અન્ન વિક્રય હય વિક્રય, કરે વિક્રય ગાય.પરપતિસંગ ને પરનિંદા, ઇર્ષ્યા અપલક્ષંણ;ઉપવીત અન્ન સીમંત અન્ન, ક્રિયા અન્ન ભક્ષણ.કન્યા વિક્રય ભૂમિવિક્રય,કરે અકરાનું કામ;શય્યા લે ને ગોદાન લે, ને બોળે બાપનું નામ.વાટ પડાવે વિશ્વાસઘાતી, માંહોમાંહે વૈર સાંધે;પંચ દેવનું પૂજન તજીને, અસુરને આરાધે.વૈરાગી વિષયી ને જોગી તે ભોગી, ખોટા વણજ વેપારી;વિષય સેવન કરે ને ગર્ભ ધરે, નવ વરસની નરી.સુરભિ દૂધ થોડું કરે ને, દુકાળ ને દુર્ભક્ષ;શોક રોગ વિજોગ ઘેરે ઘેર, સદા ભરે જળ ચક્ષ.કોનું રુડું નવ દેખી શકું, મારે કો સાથે નહિ સ્નેહ;કળિ કહે નળ રાયજી, છે અવગુણ મારા એહ.વિશેષ કેશ આમળી ઝાલ્યો, ચડી રાયને રીસ;હવે ન મૂકું અધર્મી, હું છેદું તારું શીશ.અધર્મી અવનિ વિષે, આવડો તારો ઉન્માદ;તારો વધ જાણી મને, સઉ દેશે આશીર્વાદ.ભનએ ધરતો રુદન કરતો, રાયને કહે કળી;પછે મુજને મારજો, બે ગુણ મારા સાંભળી.
કૃત ત્રેતા દ્વાપરે, શત વર્ષ તાપસ તાપે;તોય તેને હરિ હર બ્રહ્મા, દર્શન કોય ન આપે.કળી કહે મારા રાજ્યમાંહે, દ્યાન ધરે વિશ્વાસે;તો તેને ઈષ્ટદેવતા તે, આવી મળે ખટ માસે.એ ગુણ છે એક માહરો, હવે બિજો કહું વિસ્તારી;શત વાર દાન કરે ત્રણ યુગે, એકવાર પામે ફરી.ભાવે કભાવે મારા વારામાં, જે હેતે નર નાર;પુણ્ય કરે જો એક વારે, તો પામે શત વાર.નળ કહે જા નહિ હણું, ઉપજી મુજને માયા;અનંત અવગુણ તાહરા તે, બે ગુણે ઢંકાયા.મારા રાજ્યમાં તું નહીં, જો હોય જીવ્યાનું કામ;કલિ કહે હું ક્યાં વસું, વસવાનો આપો ઠામ.જ્યાં જાઉં ત્યાં નામ તમારું, તો ક્યાં રહું હું દાસ;નળ કહે બેડાના દ્રુમમાંહે, સદા તારો વાસ.જ્યાં કથા હોય મહારી, અથવા હરિકીર્તન;એવે સ્થાનક તું નહીં, તેનું લીધું વચન.રાય બેઠો રથ ઉપર, ઋતુપર્ણ સમજ્યો નહિ;હર્ષ પૂર્ણસું હય હાંક્યા, જાણે પ્રેમસરિતા વહી.
વહી ચાલ્યો પ્રેમરસ, રથ ગાજતો ગડગડાટરે;કહે ભટ પ્રેમાનંદ નાથની, વૈદરભી જુએ વાટરે
Comments
Loading comments…