કડવું ૫૪

નળાખ્યાન

દમયંતી કહે દાસીને, સુણ સાધવી;છે વિપ્રનો વાયદો આજ, મહિલા માધવી.ઠેઠ ઋતુપર્ણ આવશે, સુણ સાધવી;જો હોશે નળ મહારાજ, મહિલા માધવી.અવધ પહોંતી છે વનતણી, સુણ સાધવી;થયા ત્રણ સંવત્સર, મહિલા માધવી.એવડા અવિનય શા વસ્યા, સુણ સાધવી;પ્રભુ ફરી ન તપાસ્યું ઘર, મહિલા માધવી.

ન સંભાર્યાં બાળક બઢુઆં, સુણ સાધવી;કઠણ પુરુષનાં મન, મહિલા માધવી.હું મોઇ જીવી જોઈ નહીં, સુણ સાધવી;બેઠ્યું હશે કેમ વંન, મહિલા માધવી.ઓ વાયસ બોલે બારણે, સુણ સાધવી;વળી ફરકે ડાબું અંગ , મહિલા માધવી.શું મનનો માન્યો આવશે, સુણ સાધવી;થાશે શુકનકેરાં ફળ, મહિલા માધવી.શ્રવણે વધામણી સાંભળું, સુણ સાધવી;કો કહે પધાર્યા નળ, મહિલા માધવી.વધ થાશે વેરી વિયોગનો, સુણ સાધવી;ગયો જડશે સંજોગ, મહિલા માધવી.વીરસેન સુત આવશે, સુણ સાધવી;ત્યારે ટળશે સઘળો રોગ, મહિલા માધવી.કો કહેશે આવી વધામણી, સુણ સાધવી;નથી આપવા સરખી વસ્ત, મહિલા માધવી.અર્પીશ હાર હૃદયતણો, સુણ સાધવી;પ્રણમીશ જોડીને હસ્ત, મહિલા માધવી.બારીએ બેસી નિહાળીએ, સુણ સાધવી;એવે ઉડતી દીઠી રજ, મહિલા માધવી.આ રથ આવે છે ગરજતો, સુણ સાધવી;વળી ફરકે ગગને ધ્વજ, મહિલા માધવી.ઓ પડઘી પડે અશ્વચરણની, સુણ સાધવી;એ હાંકણીમાં છે વિચાર, મહિલા માધવી.ઓ પરોણો ઉંચો ઉછળે, સુણ સાધવી;હોય નળનો મુખ ટચકાર, મહિલા માધવી.રથા આવ્યો ગામને ગોવાંદરે, સુણ સાધવી;હા હોય અયોધ્યાભૂપ, મહિલા માધવી.દીસે સુદેવ મેલે લુગડે, સુણ સાધવી;પણ હાંકણકાર કરુપ, મહિલા માધવી.

કરુપ ખેડણ રથતણો, ક્યમ કહીએ એ નળરાયરે;અવસ્થા જોઇ ગામની, ઋતુપર્ણ, દુઃખિયો થાયરે.

Comments

Loading comments…