કડવું ૫૭
નળાખ્યાન
બાહુક મોકલ્યો વાડીમાંહે, રસોઇ સ્થળ એકાંત;કહે વૈદરભી કીજે પરીક્ષા, પુણ્ય્શ્લોકની પડે ભ્રાંત.ભીમક રાયે આજ્ઞા આપી, અશ્વનો લ્યો તપાસ;ઋતુપર્ણ ઉતર્યા ભવ્ય ભુવને, કરે સેવા દાસ.દમયંતીયે ભીમકને કહાવ્યું,આજ્ઞા તમારી લીજે;બાહુકમાં છે ગુણ નળરાયના, અમે પરીક્ષા કીજે.એકાંત વાડી દમયંતીની,કીધું રસોઇનું સ્થળ;ઠાલો કુંભ આણીને મુક્યો, મુક્યાં કાષ્ઠ નહીં અનળ.
બીજાં પાત્ર મુક્યાં નાનાવિધ, મુક્યું નહીં મેક્ષણ;માધવી કેશવી મુકી સેવાને, જાણે સર્વ લક્ષણ.દમયંતી બેઠી ઝરુખે, અંતરપટ આડો બાંધી;તેડી લાવો રુપાળાને, જુઓ કેમ જમે છે રાંધી.દાસી એક તેડવાને આવી, ચાલો કંદર્પ ક્રોડ;અમારી વાડીને શોભાવો, ચાલો ચંપક છોડ.ઉઠ્યો નળ ચાલ્યો અંતઃપુરમાં, આનંદ અંતર ભણી;સખી સાહેલી આશ્ચર્ય પામે, હસે તે સણગટ તાણી.જુએ હેરીને દમયંતી, વિસ્મે થઇ મનમાંહે;આ સ્વરુપની ન મળે જોડી, જોતાં ત્રણ ભુવનમાંહે.શરીર દીસે દવનું દાધું, સ્કંધે જાડો પગ પાતળો;ટુંકડા કર ને નસ નીસરી, મોટો પેટનો નળો.કાંહાં નળ કાંહાં બાહુક, કાંહાં સુરજ રાહુ મડળ;વાંકું મુખ ને મસ્તક મોટું, પાધડી ઉડળ ગુંડળ.એ સાથે શી ગોઠડી, ઋતુપર્ણને ભાવેટ લાગી ભવની;હીંડતાં પગને સ્પર્શે કરીને, કાળી થાય છે અવની.પણ એહેને વિદ્યા હય હાંક્યાની, આશ્ચર્ય સરખું દીસે;કતરાતો આવે નાક ફુલાવે, ભ્રુકુટી ભરી છે રીસે.દમયંતી પાસે હસતી હસતી, ભાભી આવી ત્રણ;બાઇ આ પુતળું ક્યમ પધરાવ્યું,વારુ રુપને વર્ણ.કદાચિત નળજી નીવડશે, ને રહેશે એહેવું અંગ;કોહો બાઇ તમો એ પુરુષનો, કહી પેરે કરશો સંગ.શાપ હશે કોઇ તાપસનો, ન જાશે કોઇ ઉપાંગે;આ ભીયા આસન બેસશે તમો, કેમ રહેશો વામાંગે.જાંહાં હશે તાંહાંથી કાલ આવશે, બાઇ તમારો સ્વામી;એમ વલખાં શું મારો છો, કાંઇ ધીરજ ધરો ગજગામી.વૈદરભી કહે કૌતુક મુકો, બેશી કરો પરીક્ષા;જાઓ સેવા કરો બાહુકની, દાસીને દીધી શિક્ષા.કેશવી માધવી બંને આવી, બાહુકજીની પાસ;હૃદે ભરાયું નળરાજાનું, ઓળખી બંનો દાસ.
સુકાં વૃક્ષને સ્પર્શ કર્યો તે, તે થયું નવપલ્લવ;દાસી તવ આનંદ પામી, હોય વૈદરભીનો વલ્લભ.કહે સહીયારી હો આચારી, મન ન આણશો ધોકો;દ્રુમ તળે સ્થળ પવિત્ર કીધું, અમો દીધો છે ચોકો.નહાવાનું તાંહાં વસ્ત્ર પહેરે, પાઘડી પછેડી વરજે;જંઘાયે ગુંછળાં કેશતણાં ને, શરીર ભર્યું છે ખરજે.નિચું ઉંચું ભાળે શરીર ખંજવાળે, દાસીયે અવિલોકન કીધો;રાંટે પાયે હીંડે બડબડતો, ઠાલો કુંભ જઇ લીધો.વરુણમંત્ર ભણ્યો નળરાયે, તત્ક્ષણ કુંભ ભરાયો;વીસ ઘડા રેડ્યા શીર ઉપર, ઉભો રહીને નાહાયો.દાસી અતિ આનંદ પામી, કૌતુક દીઠું વળતું;ચુહુલા મધ્યે કાષ્ઠ મુક્યાં, અગ્નિવિણ થયું બળતું.ઉભરાતું અંન કરે હલાવે, કડછીનું નહિ કામ;દાસી ગઇ દમયંતી પાસે, બોલી કરી પ્રણામ.વાજી વૃક્ષ ને જળ અનળ, એ ચાર પરીક્ષા મળી;અંનલાવો અભડાવી એહેનું, વૈદરભી, કહે જાઓ વળી.રમતી રમતી નેહે નમતી, નિરખતી નિજ ગાત્ર;એકે બાહુક વાતે વળગાડ્યો, એક લેઇ નાઠી અંનપાત્ર.અરે પાપિણી કહી બાહુક ઉઠ્યો, દાસીયે મુકી દોટ,માધવી કહે ફરી કરો રસોઇ, હું દેઇ આપું અબોટ.ફરી પાક નીપાવ્યો નળરાય, બેઠો કરવા ભોજન;પછે દમયંતીએ જોયું ચાખી, અણાવ્યું જે અંન.સ્વાદ ઓળખ્યો એ નળ નિશ્ચે, પાક પરમ રસાળ;કિંકરી ફરીને મોકલી ત્યારે, સાથે બંને બાળ.
સાથે બંને બાળને, નળ કને આવી કિંકરી;બાહુકે દીઠાં બાડુઆં તાહારે, આંખડી જળે ભરીરે.
બાહુકે દીઠાં બાડુઆં, ઉલટ્યું અંતઃકર્ણ;દામણાં માહારાં બાળકાંને, દેખુંને આવે મર્ણ. બાહુકે∘
Comments
Loading comments…