કડવું ૬૦

નળાખ્યાન

દેહ દેહ વિજોગની વ્રેહજ્વાળા, મારે મર્મનાં બાણ પૂછે પ્રશ્ન બાળા;તારી બુદ્ધિ બાહુક બળવંત દીસે, કાંઈ જાણવા ભેદ મમ મંન હીસે.દિસે શારદા વાસ તમ જીભ અગ્રે, ભલું કીધું પધાર્યા ભીમક નગ્રે;વિનય યુક્ત દિસો સર્વે સિદ્ધિવાન, ભૂત ભવિષ્ય જાણો તમો વર્તમાન.એક શોભિતા પુરુષ તે મૂર્ખ મોટા, જેવા સીપમાં મોતીના દાણા ખોટા;એક રુપહીણ પુરુષ બહુ ગુણ ભરિયા, જેમ સાચા હીરા રજુજુગ્ત કરીયા.બાહુક બાપના સમ જો વૃથા ભાખું, તમ ઉપર વિસ્વ ઓવારી નાખું;ઈંદ્રવારુણીનાં ફળ કરવાં સાયે, પણ ભક્ષ કરતાં તેના પ્રાણ જાયે.એક રુપવંત નારી કો નર નીરખ્યો, તેજવંત શોભે કોટિ કંદર્પ સરખો;ધરે છત્ર સર્વત્ર જેની આણ વરતે, કરે નવનવા ભોગ જન નિત્ય પ્રત્યે.એવા પુરુષને મોહી કોઈ નાર પહેલી, તપ તેજ સરખી જીવે ગર્વ ઘેલી;વર અમર મુનિવરતણી આશ ત્રોડી, પંખીરાજનાં વચનપર પ્રીત જોડી.તજ્યાં માત ને તાત પીયર પડોશી, નવ જાણ્યું જે નાથજી છે સદોષી;સોંપ્યાં તન મન પ્રાણ નિર્દોષ જાણી, સુણો બાહુકજી કહું કર્મ કહાણી.જેમ પારધિ કપટના કણ ચણાવી, પાડે પંખીને ફંદમાં સ્નેહ જણાવી;વેધે મૃગને જેમ ઘંટા વજાડી, તેમ પ્રેમદા પ્રેમને પાશ પાડી.બહુ રંગ વિલાસનાં સુખ દેખાડી, ગયા હાડ અંતે તે વિપત્ત પાડી;જ્યાં કંદ ને મૂળ નહીં ફળ પાણી, તેવે ઠામ મૂકી કરી અનાથ રાણી.ન કોયે કરે એવું કર્મ કીધું, અપરાધ પાખે ઘણું દુઃખ દીધું;શત ખંડ કીધી તે વિજોગ શસ્ત્રે, ફરી વનમાં તારુણી અર્ધ વસ્ત્રે.ત્રણ દિવસ ત્રણ રયણી વનમાંહે ભટકી, નિર્દય નાથને વાત શી મન અટકી;ગ્રહી અજગરે સુંદરી શિથિલ કીધી, મળ્યો પારધિ ઈશ્વરે રાખી લીધી.કહી ડાકિણી શાકિણી ને સિંહારી, પાશ પહાણ પાટુ બહુ માર મારી;પરાધીન થઈને નીચું કામ કરિયું, ધરી દાસી નામે દુર્ભર ભરિયું.ચહડી ચોરી માથે મોતી માળકેરી, કરતાં પ્રીત વહાલાં થયાં સર્વ વેરી;ત્રણ વર્ષ નાખ્યાં શ્વેત વસ્ત્ર પહેરી, નહીં કુંકું કાજળ નહીં નાડું નેહેરી.હવિષ્યાન્ન પરાધીન અન્ન પામી, તોયે તેણીએ ન તજ્યો નિજ સ્વામી;તપ નિયમ રાખી નિજ દેહ બાળ્યો, ગૃહસ્થરાજની નારે સંન્યાશ પાળ્યો.કહો બાહુક રાય એ ધર્મ કેવો, ઘટે નાથને એવો છેહ દેવો;સર્વ પાપમાં શ્રેષ્ટ વિશ્વાસઘાત, તેને પૂછશે કહો કાંઈ વૈકુંઠનાથ.

બાહુક એહ પ્રશ્નનો ઉત્તર દીજે, એવા કપટી પુરુષને શુંય કીજે;સુણી મર્મવાણી નળનાથ રીઝ્યો, જોવા પ્રિત વિશેષ મહારાજ ખીજ્યે.સુણો પ્રશ્નના ઉત્તર ભીમક બાળા, તે પુરુષને પ્રભવી પ્રેહજ્વાળા;પરી સુંદરી પ્રેમદા સાધુ જાણી, મોહ્યો નાથ તેને કીધી પટ્ટરાણી.બીજી નારીનાં સામું સ્વપ્ને ન જોયું, ગુણહીણ સ્ત્રીસાથ આયુષ્ય ખોયું;સગાં મિત્રની પ્રીત તે નાથે ફેડી, ગયો પુરુષ તીર્થે નારી સાથ તેડી.વને સાત અપવાસ ભમતારે કીધા, મચ્છ રાખવા નારને ત્રણ કીધા;કીધો શ્રમ બીજાં મચ્છ નવ લાધાં, પેલી પાપિણી નારે તે મચ્છ ખાધાં.કહો ભીમકબાળા થઈ વાત એવી, પૂછે બાહુક પ્રશ્ન તે નાર કેવી;જોતાં છે અપરાધ એ નોહે નહાનો, તેને મૂકતાં નાથનો વાંક શાનોગ્રહી અજગરે સુંદરી આંસુ ઢાળે, તેમ કંથ ડસ્યો હશે સર્પ કાળે;થયું શાકિનિ નામ અપવાદ એવો, કહ્યો હશે ભરતારને ભૂત જેવો.જેમ સ્ત્રીએ કીધી પરઘેર વેઠ, તેમ તેણે ભરયું હશે પરઘેર પેટ;કોણ કોનાં દુઃખ કહીને રોશે, બુદ્ધિવાન પ્રાણી કર્મ સામું જોશે.ધોળો સાળુ પહેરી સ્ત્રીએ પિંડ પીડ્યો, કાળું કામળું ઓઢીને કંથ હીંઢ્યો;એ પ્રશ્ન ઉત્તર કહ્યા મેં વિચારી, વળી પૂછવું હોય તો પૂછ નારી.કહી મર્મની વાત નિજ નાથ જાણ્યો, ભાંગ્યો ભેદ મનમાંહે ઉત્સાહ આણ્યો;એવી ગુહ્ય વાણી બીજો કોણ ભાખે, એવું કોણ બોલે નળ નાથ પાખે.થયું ભેટવ મન મર્યાદ નાઠી, અંતરપટનું વસ્ત્ર ગયુરે ફાટી;ગજગામિની ભામિની પ્રેમ માતી, આવી નાથ પાસે ગુણગ્રામ ગાતી.કરી પ્રદક્ષિણા પછે પાય લાગી, બોલો નૈષધનાથ કહ્યું માન માગી;અપરાધ પ્રાણીતણા કોટિ હોયે, પરિબ્રહ્મ તો કરુણા મીટ જોયે.વન માંહે મૂકી અપરાધ પાખી, છે મચ્છ આહારના વિષ્ણુ સાખી;તમ ચરણ વિષે મમ મન રાખું, તમ પાખે હું પેટમાં ધૂળ નાખું.અમો અબળા નારીમાં બુદ્ધિ થોડી, કરે વિનતિ પ્રેમદા પ્રાણ જોડી;નથી રુપનું કામરે ભૂપ મારા, થઈ કિંકરી અનુસરું ચરણ તારાં.સુણી વિનતિ નારની દીન વાણી, ઉઠ્યો બાહુક અંતર પ્રીત આણી;કરકોટક નાગનો મંત્ર ભાખી, જીર્ણ કામળું દૂર દીધુરે નાખી.ત્રણ નાગનાં વસ્ત્ર પરિધાન કીધાં, હરખી સુંદરી કારજ સર્વ સીધ્યાં;જળ મૂળગું રુપ મહારાજ ધરિયું, શ્વસુર ધામનું તિમિર તે સદ્ય હરિયું.જેમ તરુવર પુંઠે વિંટલાય વેલી, તેમ કંથને વળગી રહી હર્ષઘેલી.

હર્ષે ઘેલી સુંદરી, ભેટી ભીડી બાથરે;જયજયકાર ઘરમાં થયો, દેખી નૈષધનાથરે.

Comments

Loading comments…