કડવું ૬૩

નળાખ્યાન

ઋતુપર્ણની પીડા જાણી, નૈષધનાથ બોલ્યા ત્યાં વાણી;ન થઇએ કાયર આંસુ આણી, એમ કહી લોહ્યાં લોચન પાણી.આપત્કાળ કર્મ શું કહીએ,જે જે દુઃખ પડે તે સહીએ;કોને આસરે નિશ્ચે જઇએ,પંચ રાત્રિ સેવક થઇ રહીએ.ગુપ્ત રહ્યાનું કારજ સીધ્યું, મારું દુઃખ તમે હરી લીધું;જે જનુનીનું પય મેં પીધું, તેણે એવડું સુખ નથી લીધું.દશ માસ તે પેટમાં રાખે, અધિક થાય તો ઓછું ભાખે;ત્રણ વરસ લગી કોણ રાખે, ભલાઇ તમારી થઇ જુગ આખે.જ્યાં લગી સંપત્તિ હોય, ત્યાં લગે પ્રીત કરે સર્વ કોય;ફર્યો સમો ત્યારે સદ્ય વિયોગ, નમતાં તે સામું ન જોય.જે લોભના લીધા માયા માડે, થાય પરીક્ષા દુઃખને દહાડે;ક્ષત્રી જણાએ ઉઘાડે ખાંડે, ભુડા મિત્ર તે ભીડે છાંડે.કર્મકથા મેં મારી જાણી, ચોહો વર્ણનાં પોષ્યાં પ્રાણી;જ્યારે વન નીસર્યાં હું ને રાણી, પ્રજાએ ન પાયું પાણી.

થયો પુષ્કર બાંધવ વેરી, અક્કેકું અંબડ નીકળ્યાં પહેરી;કીધાં કૌતક લોકે શેરી શેરી, તે દુઃખસાગરની આવે છે લહેરી.મને ભાઇ પ્રજાએ કહાડી નાખ્યો, સ્વાદ સંસાર સગાઇનો ચાખ્યો;ઋતુપર્ણ તમો શરણ રાખ્યો તે ઉપકાર ન જાયે ભાખ્યો.શત કલ્પ કરે કો ગંગાસ્નાન, કરે કોટી જગન દે દાન;કુરુક્ષેત્ર કરે જપધ્યાન, નહિ ફળ શરણદાન સમાન;દુઃખ દેખી કલ્પે પુરના લોક, શુભ સમે આંસુ ભરો તે ફોક;એમ કહી ભેટ્યા પુણ્યશ્લોક, ટાળ્યો ઋતુપર્ણનો શોક.ત્યારે ઋતુપર્ણ કહે છે શીશ નામી, અપકીર્તિ મેં બહુ પામી;તમો સકળ નરપતિ સ્વામી, સ્વારથ અંધ થયો હું કામી.ભીમકતનયા જનેતા જેવી, પતિવ્રતા સાધવી દેવી;તે ઉપર કુદ્રષ્ટિ એવી, એથી અન્યાય વાત બીજી કેવી.

એવી વારતા અધર્મ છે, શું કરું દેહ ધારીરે;વૈદરભી મુજમાતા જેવી, વરવાની મેં બુધ કરીરે.

Comments

Loading comments…