કડવું ૬૪

નળાખ્યાન

લજ્જાકૂપમાં ભૂપતિ પડિયો, ઉંચું ન શકે ભાળીજી;ચતુરશિરોમણી નૈષધનાથે, વેળા વાત સંભાળીજી.ભીમકરાયના પુત્રની પુત્રી, સુલોચના એવું નામજી;દમનકુંવરતણી તે કુંવરી, શુભ લક્ષણ ગુણધામજી.અનંગ અંગના સરખી સુંદર, દમયંતી શું બીજીજી;ઋતુપર્ણને તે પરણાવી, દમયંતીની ભત્રીજીજી.પહેરામણી ઘણું પ્રીતે આપી, સંતોષ્યો ઋતુપર્ણજી;અયોધ્યાપતિ ચાલ્યો અયોધ્યા, નમી નળને ચર્ણજી.પરસ્પરે આલિંગન દીધાં, નળે આપી અશ્વવિદ્યાયજી;પંચ રાત્રી રહ્યાં સ્ત્રીપુત્ર સાથે, પછે થયા વિદાય નળરાયજી.પ્રજા સર્વ સંગાથે લઇને, ભેટી નૈષધ જાયજી;ના વિધનાં વાજીત્ર વાજે, શોભા ન વર્ણી શકાયજી.ચતુરંગ સૈન્ય બહુ ભીમકે આપ્યું, સાથે થયો નરેશજી;નળ રાજા ઘણા જોધ્ધા સંગાથે, આવ્યા નૈષધ દેશજી.

તે સમાચાર પુષ્કરને પોહોંતો, તેમ જ ઉઠ્યો રાયજી;પ્રજાસંગાથે સામો મળવા, પ્રીતે પાળો પળાયજી.હયદળ પાયદળ ગજદળ રથદળ, કળ ન પડે કેકાણજી;પ્રબળદળ સકળ પુરવાસી, નિરખવા નળ તરસે પ્રાણજી.વાહન કુંજર ધજા અંબાડી, મેઘાડંબર છત્રજી;કનક કળશ ઘટા બહુ ધમકે, શોભે સુરીયાં પત્રજી.ભેરી ભેર મૃદંગ દુંદુભિ, પટહ ઢોલ બહુ ગાજેજી;વેણા વેણુ શરણાઇ શંખધુની, તાળ ઝાંઝ ઘણું વાજેજી.ઉદધિ પર્વણી જાણે ઉલટ્યો, ચંદ્ર પૂર્ણ નળ માટજી;શ્રવણ પડ્યું સંભળાય નહીં, થઇ ભારે ભીડ પુરવાટજી.ભીમકનંદન કહે નળ પ્રત્યે, સૈન્યને આજ્ઞા દીજેજી;પુષ્કર આવ્યો ક્રોધ ધરીને, સજ થાઓ જુધ્ધ કીજેજી.નળ કહે ત્રણ શાલક પ્રત્યે, મિથ્યા વિરોધ વિચારજી;પુષ્કરનું મન થયું નિર્મળ, નાશ પામ્યો કળી વિકારજી.સાધુ પુરૂષને કુબુધ્ધિ આવે, તે તો પૂર્વકર્મનો દોષજી;પુષ્કરે કીધું કળીનું પ્રેરયું, કહે વિચારી પુણ્યશ્લોકજી.ધ્રુવ ચળે રવિ પશ્ચિમ પ્રગટે, પાવક શીતળ હાથજી;વિધિ ભૂલે નિધિ સાતે સૂકે, પુષ્કર ધનુષ ન સાયજી.એમ ગોષ્ઠિ કરતો પુષ્કર આવ્યો, બંધન કરી નિજ હાથજી;દંડવત્ત્‍ કરતો ડગલાં ભરતો, ઘણું લાજતો મન સાથજી.નળ ઉઠ્યો બાંધવને દેખી, ગ્રહી કર બેઠો કીધોજી;મસ્તક સુંઘી પ્રશંસા કીધી, ભુજ ભરી હૃદયા લીધોજી.એક આસને બેઠા બંને બાંધવ, શોભે કામ વસંતજી;ત્યારે પ્રજાએ ઘણી પૂજા કીધી, આપી ભેટ અનંતજી.પુષ્કરે ઘણું દીન ભાખ્યું, થયાં સજળ લોચનજી;હું કૃતઘી કઠણ ગોઝારો, મેં દંપતી કહાડ્યાં વનજી.ત્રણ અપરાધે વીપરીત કીધું, દીધું દારૂણ દુઃખજી;સાત સમુદ્ર ન જાય શ્યામતા, ધોતાં મારું મુખજી.પુષ્કર વીરને નળે સમજાવ્યો, કહીને આત્મજ્ઞાનજી;એક ગજે બેઠા બેહુ બાંધવ, આવ્યા પુરનિધાનજી.

ધ્વજા પતાકા તોરણ બાંધ્યાં, ચિત્ર સાથિયા શેરીજી;અગર ધૂપ આરતિ થાયે, વાજે ભેરી નફેરીજી.ધવળ મંગળ કીર્તન ગાથા, હાથા કંકુમરોળજી;ચહુટાં ચોક રસ્તાને નાકે, પ્રજા ઉભી ટોળે ટોળજી.કુસુમ મુક્તાફળે વધાવે, ગોખ ચહડી નર નારીજી;નૈષધ નગરીની શોભા સુંદર, શું અમરાપુરી ઉતારીજી.અભિજિત લગ્ન મુહૂર્ત સાધી, નળ બેઠો સિંહાસનજી;મળવા સર્વ સગાં આવ્યાં તે, વોળાવ્યાં રાજનજી.જુધ્ધપતિ પુષકરને કીધો, નળે કીધા જગ્ન અનંતજી;ધર્મરાજ કીધું નળરાયે, વરસ સહસ્ત્ર છત્રીસ પર્યંતજી.નળના રાજ્યમાં બંધન નામે, એક પુસ્તકને બંધનજી;દંડ શ્રીપાતને હાથે, ધન્ય વીરસેનનંદનજી.કંપારવ ધજાને વરતે, પવન રહે આકાશજી;કુળકર્મ પારધિ મૂક્યાં, જીવનો ન કરે નાશજી.ભય એક તસ્કરને વરતે, કમાડને વિજોગજી;હરખ શોક સમતોલ લેખવે, ત્યાજ વિષયના ભોગજી.ચતુર્વરણ તો સર્વે શૂરી, જ્ઞાનખડ્‍ગ તીવ્ર ધારેજી;દેહ ગેહ મધ્યે ખટ તસ્કર, પીડી ન શકે લગારેજી.શૌચ ધર્મ દયા તત્પરી, આપે તે ગુપ્ત દાનજી;હરિભક્તિ નથી તેનું નામ દરિદ્રી, જેને ભક્તિ તે રાજાનજી.તેહ મુઓ જેની અપકીર્તિ પુંઠે, અકાળ મૃત્યુ ન થાયજી;માગ્યા મેહ વરસે વસુધામાં, દૂધ ઘણું કરે ગાયજી.માતાપિતા ગુરુ વિપ્ર વિષ્ણુની, સેવા કરે સર્વ કોયજી;પરનિંદા પરધન પરનારી, કુદ્રષ્ટે નવ જોયજી.એવું રાજ નળરાજે કીધું, પુણ્યશ્લોક ધરાવ્યું નામજી;પછે પુત્રને રાજ આપી ગયા, તપ કરવા ગુણગ્રામજી.અનશન વ્રત લેઇ દેહ મૂક્યો, આવ્યું દિવ્ય વિમાનજી;વૈકુંઠ નળ દમયંતી પહોતાં, પામ્યાં પદ અવિધાનજી.બહદ્દ્શ્વ કહે હો રાય યુધિષ્ઠિર, એવા હવા ન હોયજી;એ દુઃખ આગળ તારાં દુઃખને, યુધિષ્ઠિર શું રોયજી.

કાલે અર્જુન આવશે રાયજી, કરીને ઉત્તમ કાજજી;કથા સાંભળી પાયે લાગ્યો, મુનિવરને મહારાજજી.યુધિષ્ઠિર કહે પરિતાપ ગયો મનનો, સાંભળી સાધુચરિત્રજી;અવિચળ વાણી ઋષિ તમારી, સુણી હું થયો પવિત્રજી.થોડે દિવસે અર્જુન આવ્યા, રીજ્યા ધર્મરાજાનજી;વૈશંપાયન કહે જનમેજય, પૂર્ણ થયું આખ્યાનજી.કરકોટક ને નળ દમયંતી, સુદેવ ઋતુપર્ણ રાયજી;એ પાંચેનાં નામ લેતાં, કળજુગ ત્યાંથી જાયજી.પુત પૌત્ર ધન ધાન્ય સમૃધ્ધિ, પામે વઈ નર નારજી;બ્રહ્મહત્યાદિક પાપ ટલે ને, ઉતરે ભવજળ પારજી.વીરક્ષેત્ર વડોદરા કહાવે, ગરવો દેશ ગુજરાતજી;કૃષ્ણસુત કવિ ભટ પ્રેમાનંદ, વાડવ ચોવીસા ન્યાતજી;ગુરુપ્રતાપે પદબંધ કીધો, કાલાવાલા ભાખીજી;આરણ્યક પર્વની મૂળ કથામાં, નૈષધ લીલા દાખીજી.મુહૂર્ત કીધું સુરતમાંહે, થયું પૂર્ણ નંદરબારજી;કથા એ નળ દમયંતી કેરી, સારમાંહે સારજી.સંવત સત્તર બેતાળો વર્ષે, પોષ સુદિ ગુરુવારજી;દ્વિતીયા ચંદ્ર દર્શનની વેળા, થઇ કથા પૂર્ણ વિસ્તારજી.તે દિવસે પરિપૂરણ કીધો, ગ્રંથ પુનિત પદબંધજી;શ્રોતા વક્તા સહુને થાશે, શ્રીહરિકેરો સંબંધજી.

Comments

Loading comments…